જીવદયા ની જ્યોત જલે અહીં
રેલાય પરમાર્થ નો પ્રકાશ
અહિંસાના ઓજસ તળે
થાય પશુધન નો સચવાસ
મૂંગા પશુ પક્ષી અને બોલતા માણસ નો અજબ સંબંધ, વફાદારી, વિશ્વાસ અને પ્રેમનો અતૂટ નાતો. માણસ ની અનુકંપા અને સ્નેહભરી લાગણીઓ નિશબ્દ પ્રાણીઓ ની પીડા પીગળાવે અને અબોલ મૂંગા પ્રાણીઓ નો પ્રેમ એમની વ્યથા સુનાવે. આવો સંબંધ જીવનમાં એકમેક થી ધબકતો જોઈએ ત્યારે જીવદયા ના અનેક પ્રસંગો યાદ આવે.
આવા સ્નેહસભર સંબંધ ના શ્રી ગણેશ થયા 50 વર્ષ પૂર્વે. ઇ.સન 1972 માં રાપર ગામે પાંગરેલી પાંજરાપોળ, કચ્છ ની સૂકી ધરા પર નિરાધાર પશુઓને હરિયાળો આશરો આપવા માટેનો વિચાર. જેના રોમ રોમ મા અબોલ પશુઓ પ્રત્યે પારાવાર પ્રેમ વસ્યો હોય, જેને હૈયે નિરાધાર પશુઓ માં પરમાત્મા નો વાસ દેખાતો હોય, તેવા અહિંસા ના હિમાયતી જૈન સાધ્વી પ.પૂ.ઉજ્જવળ કુમારી મહાસતીજી ની પ્રેરણા શ્રોત સમી વાણીથી આ તક ને રાપર ના જૈન શ્રેષ્ઠીઓ ના ગ્રુપે તેની આગેવાની સાંભળી શ્રી વેલજીભાઈ મહેતાએ આ રીતે સંસ્થા ના મંગલાચરણ થયા.
સેવા - સહિષ્ણુતા - સંવેદના આ સૂત્રને સાર્થક કરતા ભગવાન મહાવીર ની વાણી અહિંસા પરમો ધર્મ મુજબ જીવદયા ના બીજ રોપાયા અને રાપર ગામે શ્રી જીવદયા મંડળ રાપર પાંજરાપોળ ની સાવ નાના પાયે શરૂઆત થઈ અને જોતજોતામાં વિશાળ વટવૃક્ષ થયું. જેમાં રાપર શહેર અને આજુબાજુના જૈન સમાજ તથા અન્ય સમાજ નો સુંદર સહયોગ સાંપડ્યો, રાપર શહેરમાં પ્રવેશતા નગાસર તળાવ ની સામે પાંજરાપોળ ની સ્થાપના કરવામાં આવી, અબોલ જીવોના પુણ્ય ખુલ્યા અને જીવદયાના કાર્ય મા અનુદાન ની સરવાણી વહી, પશુઓ ની સુવિધા માટે આસપાસ ની જમીન ભેટ મળી, ધીરે ધીરે સંસ્થા ની શાખાનો વિસ્તાર ત્રણ વિભાગમાં થયો. સંસ્થા મુખ્ય કાર્યાલય, બકના તથા પાબુસરી વિભાગ એમ ત્રણ વિભાગ માં પશુઓ ના સહર્ષ સ્વીકાર માટે સુસજ્જ થઈ. ગાય, બળદ, વાછરડા, પાડા, ઘેટા, બોકડા જેવા પશુ તથા નાના પક્ષીઓના પાલન પોષણ માટે ની દરેક વ્યવસ્થાનું દીર્ઘ દ્રષ્ટિ પૂર્વક આયોજન થયું. મુખ્ય વિભાગ માં માંદા શારીરિક નબળા, અપંગ, ઘાયલ જીવો ને સારવાર માટે વેટરનરી ડોકટર ની ટીમ, આધુનિક હોસ્પિટલ, એમ્બ્યુલન્સ ની સેવા, શહેર ની આજુબાજુ થી આવતા ઘાયલ પશુઓને સારવાર, માંદા પશુઓ માટે જાળી વાળા શેડ, નાના બોકડા વાછરડા ને બોટલ થી બે ટાઈમ દૂધ પીવડાવવામાં આવે છે. શહેરના કૂતરાઓ માટે રોટલા ખવડાવવા,પક્ષીઓ ને ચણ, પીવાના પાણી માટે બકના અને પાબુસરી વિભાગ મા બે મોટા તળાવ, અનેક વૃક્ષો નું વાવેતર, ઘાસચારા ના સંગ્રહ માટે વિશાળ ગોડાઉન, લંપી રોગચાળામાં સંસ્થા તથા શહેરના પશુઓને રસીકરણ, આવી અનેક જીવદયા ની પ્રવૃત્તિમાં સંસ્થા 160 જેટલા કર્મચારી, ગોવાળિયા, ઓફીસ સ્ટાફ સાથે હંમેશા અગ્રેસર હોય છે
આ સંસ્થા ને વિશાળતા તરફ લઇ જવામાં જેનો સિંહફાળો હતો તેવા આજીવન જીવદયા ના ભેખધારી શ્રીયુત વેલજીભાઈ મહેતા જેમણે સંસ્થા ની સ્થાપના થી સતત 45 વર્ષ સુધી પ્રમુખ પદ શોભાવ્યું તેમને સહયોગ સાંપડ્યો અનેક નામી અનામી કર્મઠ કાર્યકર ભાઈઓનો જેના થકી આ સંસ્થા ગુજરાત ભરમાં અગ્રેસર રહીને અનેક મહાનુભાવો ના હસ્તે એવોર્ડ મળ્યા, અનેક ધર્મગુરુઓ ના પગલાં અને આશીર્વાદ મળ્યા
આ સંસ્થા ભૂતકાળમાં અનેક દુષ્કાળ , વાવાઝોડા, ધરતીકંપ જેવી કુદરતી આફતો સામે હિમાલય ની જેમ અડગ રહી જીવદયા ની જ્યોત જલતી રાખી, શ્રી વેલજીભાઈ મહેતા એ 45 વર્ષ ત્યાર પછી શ્રી નવીનચંદ્ર મોરબીઆ એ 5 વર્ષ અને અત્યારે સંસ્થા નું સુકાન શ્રી વિપુલભાઈ મહેતા અને સાથી કાર્યકર મિત્રો ની દેખરેખ નીચે 7000 જેટલા પશુઓનો સુચારુ નિભાવ થઈ રહ્યો છે. વાર્ષિક 10 થી 12 કરોડ ના ખર્ચ થાય છે, ઉદારદિલ દાતાશ્રીઓ ના સહયોગ થી જીવદયા નું કાર્ય ખૂબ જ સુંદર રીતે થઈ રહ્યું છે